સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેંક બહાર રૂ.૨૦ લાખની લૂંટની ઘટના બનતા ભારે ચકચાર મચી જવા પામી છે. વિવિધ બેંકમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરતી કંપનીની વેનમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી હતી. રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે, ઘટના બની તેનાથી ૨૦૦ મીટર દૂર જ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઉધના સિલિકોન શોપર કોમ્પલેક્સમાં આવેલી રેડિયન્ટ કંપની વિવિધ બેંકોમાંથી રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરે છે. આજે કંપનીની ગાડી રૂપિયા લઈને ડ્રાઈવર સુભાષ અને ગનમેન રમેશસીંગ ચોકબજાર ખાતે આવેલી એસબીઆઈ બેકમાં રૂપિયા જમા કરાવવા ગયા હતા. ગનમેન ગાડીમાં બેઠો હતો અને ડ્રાઈવર ૪૨ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને બેંકમાં જમા કરાવવા ગયો હતો. દરમ્યાન રિક્ષામાં અજાણ્યા ચાર જેટલા શખ્સો આવ્યા હતા. આ અજાણ્યા ઈસમોએ ગન મેનને કહ્યું હતું કે, તારા ૧૦ રૂપિયા પડી ગયા છે. જેથી ગનમેન ગાડીમાંથી ઉતરી ૧૦ રૂપિયા લેવા જતા અજાણ્યા શખ્સો ચપળતાથી ગાડીમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રિક્ષામાં ફરાર થઈ જાય છે. ગનમેનને બેગની ઉઠાંતરી થઈ હોવાની જાણ થાય છે. દરમ્યાન ડ્રાઈવર પણ આવી જાય છે. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. રૂ.૨૦ લાખની લૂંટની ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે જ ક્રાઈમ બ્રાન્ચ, એફએસએલ, ડોગ સ્કવોડની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસ તપાસ કરતા બેંકના સીસીટીવીમાં ઘટના કેદ થઈ ગઈ છે. જ્યારે પોલીસને લૂંટારૂ જે રિક્ષામાં આવ્યા હતા તે રિક્ષાનો નંબર મળી જતા સીસીટીવી અને રિક્ષાના નંબરના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ચોક બજાર ખાતે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવેલી છે.
જેનાથી અંદાજે ૨૦૦ મીટરના અંતરે જ એસબીઆઈ બેંકની ચોકબજારની શાખા આવેલી છે. જેમાં રૂપિયા લાવવા લઈ જવાનું કામ કરતી ખાનગી કંપનીની વેનમાંથી ૨૦ લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરવામાં આવી હતી.