રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના’ રાજકોટ એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ને તાજેતરમાં તોતિંગ રકમનું મિલકત વેરા બિલ ફટકારતા વિવાદ સર્જાયો છે. ટેકસ બ્રાંચમાં લગાતાર છેલ્લા પાંચ મહિનાથી વાંધા અરજીઓ સહિતનો પત્ર વ્યવહાર કરવા છતાં વાંધો નહી ઉકેલાતા હવે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
રાજકોટ એન્જિનીયરિંગ એસોસિએશન દ્રારા આ સંદર્ભે મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મહાપાલિકાના વોર્ડ નં.૧૫માં આજી વસાહતના પ્લોટ નં.૩૭૨માં આવેલી મિલકત કે જેને ટેકસ બ્રાન્ચએ આપેલા નવા પ્રોપર્ટી ન.ં ૧૬૯૪૦૦૭૦૦૦૦ છે. તે ભારત સરકાર અને ગુજરાત રાય સરકાર દ્રારા કલસ્ટર ડેવલપમેન્ટ યોજના હેઠળ નિર્માણ કરાયેલ છે. ઉપરોકત સેન્ટર ની જમીન ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પેારેશન દ્રારા લીઝ પર આપવામાં આવી છે તેમજ બિલ્ડિંગ ગુજરાત સરકાર તરફથી મળેલી ૧૦૦% ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત સેન્ટરમાં મશીનરી અને ઇકિવપમેન્ટસ ભારત સરકાર તરફથી ૧૦૦% ગ્રાંટ હેઠળ આપવામાં આવેલ છે. કાર્પેટ એરિયા બેઇઝ મિલકત વેરા આકારણીની પદ્ધતિ અમલી બનાવવામાં આવ્યા બાદ ઉપરોકત સેન્ટર માટે છ લાખથી વધુ રકમનું મિલકત વેરા બિલ આપવામાં આવ્યું છે તે કોઈપણ સંજોગોમાં ભરપાઇ કરી શકાય તેમ ન હોય આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા રજૂઆત કરાઇ છે
(AAJKAL)