શાળા ખુલે એટલે બાળકોના નખરા શરુ થઇ જાય. અમુક બાળકો શાળાએ ના જવા માટે અવનવા બહાના શોધતા જ હોઈ છે ત્યારે બાળકોના માતાપિતા પણ બાળકોને શાળાએ મોકલવા તમામ તરકીબો અપનાવતા હોઈ છે. અમુક વાલી તેના બાળકોને આકર્ષક વસ્તુઓની લાલચ આપતા હોઈ છે તો અમુક બાળકને વેકેશન પછી શાળાઓ ખુલે એટલે નવું બેગ, નવો યુનિફોર્મ, નવો કંપાસ, નાસ્તાનો ડબ્બો, બોટલ બધું જ નવું લઇ દેતા હોઈ છે. પરંતુ ઘણા પરિવારો એવા પણ છે કે જેઓને આ બધી જ વસ્તુઓ પરવડતી નથી. તેઓ તો માંડમાંડ પોતાના બાળકોને શાળાએ મોકલી શકે એમાં વળી આવી બધી લાલચો ક્યાંથી આપે ! ત્યારે આજે એવા જ એક પિતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેની પાસે પોતાના બાળક માટે સ્કૂલ બેગ ખરીદવાના પૈસા પણ ન હતા. કંબોડિયાના રહેવાસી એક ખેડૂતે પોતાના દીકરા એનવાય કેંગ માટે હાથેથી સ્કૂલ બેગ બનાવ્યું છે, જે હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. આ બેગની તસ્વીર તેની શિક્ષિકાએ શેર કરી લખ્યું છે કે એવું ઘણીવાર થાય છે કે મૂળભૂત જરૂરિયાતો પૂરી ન કરી શકવાના કારણે માતાપિતા પોતાના બાળકોને સ્કૂલે નથી મોકલતા. પરંતુ તમે બાળકોને સપોર્ટ કરો અને જો તમે એમના માટે સ્કૂલ બેગ, પાણીની બોટલ, રબર કે પેન્સિલ નથી ખરીદી શકતા તો કોઈ એવો વિકલ્પ શોધો જેવો કેંગના પિતાએ કાઢ્યો છે.
કેંગની શિક્ષિકાનું કહેવું છે કે ‘એક સાધારણ સ્કૂલ બેગની કિંમત 30000 રિઇલ્સ એટલે કે આશરે 500 રૂપિયા છે. કેટલાક માતાપિતા પોતાના બાળકોને આટલા મોંઘા બેગ અપાવી નથી શકતા, એવામાં કેંગના પિતા પાસેથી શીખવું જોઈએ કે વધુ પૈસા ન હોવાના છતાં પણ એક બાળકને કઈ રીતે એક સુંદર બેગ આપી શકાય છે.’ જયારે કેંગ પોતાના આ બેગ સાથે શાળાએ પહોંચ્યો ત્યારે બધાની જ નજરો તેના બેગ પર હતી. કહેવાય છે કે કેંગના પિતાએ આ સુંદર સ્કૂલ બેગ Raffia Stringનો ઉપયોગ કરીને બનાવ્યું છે. કેંગની શિક્ષિકા એક પિતાનો પ્રેમ, તેમની ક્રિયેટિવિટી અને બાળકની ભણવાની લગનને લોકો સુધી પહોંચાડવા માંગતા હતા એટલે તેમને આ તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.