રાજકોટ લોધીકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડ વિસ્તારમાં આજે વહેલી સવારે હળવું વરસાદી ઝાપટું વરસી જતા યાર્ડના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જો કે આવતીકાલે મકરસંક્રાંતિની જાહેર રજા હોય અગાઉથી જ આવકો ઘટી ગઈ હતી તેથી નુકશાનની સંભાવના ઓછી હતી તેમ છતાં પ્લેટફોર્મના બદલે ખુલ્લા મેદાનમાં ઉતારવામાં આવતા માલના કારણે દર વખતે જ્યારે માવઠું વરસે ત્યારે ખેડૂતો અને વેપારીઓએ હાલાકીનો સામનો કરવો પડે છે.
દરમિયાન આ અંગે રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેડી માર્કેટ યાર્ડ વિસ્તારમાં આજે વહેલી સવારે હળવું ઝાપટું વરસ્યું હતું પરંતુ થોડો સમય પૂરતો ઝરમર વરસાદ વરસી રહી જતા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જાણો છો ને કોઈ જ નુકશાની થઈ ન હતી. તેમણે ઉમેર્યું હતું કે હજુ બે દિવસ વરસાદની આગાહી હોય તેના અનુસંધાને અગમચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
જ્યારે શાકભાજી વિભાગ ના આસિસ્ટન્ટ સેક્રેટરી ડી.આર.જાડેજાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શાકભાજી વિભાગ માં હળવા વરસાદી ઝાપટાંથી કોઈ જ નુકસાન થયું નથી તેમ છતાં વરસાદની આગાહીના પગલે સાવચેતી દાખવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ રાજકોટ માર્કેટયાર્ડમાં તો ખેડૂતો કે વેપારીઓને કોઇ નુકસાન થયું નથી પરંતુ માવઠાના કારણે ઘઉં અને જીરૂના પાકને નુકસાન થવાની દહેશત છે.
(AAJKAAL)