X Close
X
9925128845

આરટીઇ એકટ તળે પ્રવેશ આપવા ઇન્કાર કરનાર ભાવ.ના શાળા સંચાલકોને શિક્ષણ નિયામકનું તેડુ


Jangaon:

રાઇટ ટુ એયુકેશન તળે આર્થિક અને સામાજિક પછાત બાળકોને શિક્ષણ મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પરંતુ મિશનરી સ્કુલના સંચાલકોએ આરટીઇ તળે પ્રવેશ આપવા નનૈયો ભણી દઇ કોર્ટમાં જતાં હાલ મેટર કોર્ટમાં ન્યાયને આધીન છે તેવામાં ચાલુ વર્ષે રાજય સરકારે આવી સ્કુલોને પણ આરટીઇ તળે આવરી લઇ પસંદગીનો વિકલ્પ આપતા ભાવનગરમાં ધો.૧માં ૨૪૦ જેટલા વિધાર્થીઓ એવા છે જેમણે આ સ્કુલોની પસંદગી કરી છે પરંતુ કોર્ટ મેટરના કારણે પ્રવેશ નહીં મળતાં પ્રવેશ અદ્ધરતાલ છે. આ વિવાદ રાજયભરમાં છે અને તે સંદર્ભે આજે રાજયનાં પ્રાથમિક અને માધ્યમિકના સંયુકત શિક્ષણ નિયામકે સંબંધિતોની બેઠક બોલાવી છે.
ભાવનગરમાં ક્રાઇસ્ટ ઈંગ્લીશ મિડીયમ અને ગુજરાતી મિડીયમ, સેન્ટ મેરી ઈંગ્લીશ અને ગુજરાતી મિડીયમ, સેન્ટ ઝેવિયર્સ પ્રાયમરી તથા સેન્ટ ઝેવિયર્સ સીએમઆઇ પબ્લીક સ્કુલ, ફાતિમા કોન્વેન્ટ પ્રાયમરી ઈંગ્લીશ અને ગુજરાતી પ્રાયમરી સહિતની નવ શાળાઓના સંચાલકોએ ૨૪૦ વિધાર્થીઓને આરટીઇ તળે પ્રવેશ આપવા ઇન્કાર કરી દીધો છે. જો કે, આ મામલો પહેલેથી જ વિવાદમાં છે અને આરટીઇમાં પસંદગીના વિકલ્પ માટે આ સ્કુલના નામોની નીચે લાલ લાઇન કરી પ્રવેશ કોર્ટને આધીન રહેશે તેમ દર્શાવાયેલું પણ છે.
ભાવનગરમાં મિશનરી સ્કુલના સંચાલકોએ આરટીઇ તળે વિધાર્થીઓને પ્રવેશ આપવા નનૈયો ભણતા ગત બુધવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે સંબંધિત વાલીઓને ઘસી જઇ હલ્લાબોલ કર્યુ હતુ અને એક તબક્કે પોલીસ પણ બોલાવવી પડી હતી. આમ, આ મામલો ભારે વિવાદાસ્પદ બન્યો છે અને ૨૪૦ બાળકોનાં સુચિત પ્રવેશ અદ્ધરતાલ જણાઇ છે.
સમગ્ર રાજયમાં આવી પરિસ્થિતિ થતા રાજયના સંયુકત શિક્ષણ નિયામકે આજે શાળા સંચાલકો અને શિક્ષણ તંત્રના અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે સાંજે ૪ કલાકે બેઠક બોલાવી છે. જેમાં સંભવ છે કે, આ વિવાદ સંદર્ભે ઉકેલ આવશે અને વિધાર્થીઓના પ્રવેશ અંગે કોઇ રસ્તો નિકળશે. આ મિટીંગમાં શું નિર્ણય આવશે હાલ તેના પર સૌની નજર મંડાયેલી છે

Aajkaal